ખેડૂતોએ સરકારને પોસ્ટર દેખાડ્યું- મરીશું કે જીતીશું; સરકારને કહ્યું- ઉકેલ લાવવાની તમારી ઈચ્છા જ નથી




સરકારની સાથે ખેડૂતોની 9માં તબક્કાની વાતચીત પણ પરિણામ વગર જ પૂર્ણ થઈ છે. ખેડૂતોએ કડક અંદાજમાં સરકારને કહ્યું કે તેમે ઉકેલ લાવવા જ નથી માગતા. જો એવું છે તો અમને લખીને જણાવી દો, અમે જતા રહિશું. આ બેઠકમાં ખેડૂતો પોસ્ટર લગાવીને બેઠા હતા. જેના પર લખ્યું હતું- મરીશું કે જીતીશું. ખેડૂતો અને સરકાર વચ્ચે આગામી બેઠક 15 જાન્યુઆરીએ મળશે.



ખેડૂત નેતા બલવીર રાજેવાલે મંત્રીઓને કહ્યું, "તમે જિદ પર છો. તમે તમારા સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરીને લગાવી દેશો. અધિકારીઓ કોઈને કોઈ લોજિક આપતા રહેશો. અમારી પાસે પણ લિસ્ટ છે. બાદમાં નિર્ણય તમારો જ છે. કેમકે તમે સરકાર છો. જેમની પાસે તાકાત છે, તેની વાત વધુ હોય છે. આટલાં દિવસોમાં વારંવાર કેટકેટલી ચર્ચા થઈ રહિ છે. એવું લાગે છે કે આ વાતના ઉકેલ લાવવાનું તમારું મન જ નથી. તો સમય શું કામ બગાડી રહ્યાં છો. તમે સ્પષ્ટ શબ્દોમાં લખીને આપી દો, તો અમે જતા રહિશું."



ખેડૂતોના જણાવ્યા પ્રમાણે, જ્યાં સુધી કાયદો પાછો નહીં લેવાય ત્યાં સુધી અમે અહીંથી હટીશું નહીં.આ વખતે પણ ખેડૂતોનું સ્ટેન્ડ ક્લીઅર છે. તેમનું કહેવું છે કે ત્રણ ખેડૂત કાયદા રદ કરવામાં આવે અને MSP પર અલગ કાયદો બને. આ પહેલા ગુરુવારે ખેડૂતોએ દિલ્હીને ચારેય બાજુ ટ્રેક્ટર માર્ચ કાઢીને શક્તિ દેખાડી હતી.



સરકારનો કાયદો પરત ખેંચવાનો ઈનકાર

આંદોલનના 44માં દિવસે સરકાર અને ખેડૂત વચ્ચે વિજ્ઞાન ભવનમાં વાતચીત ચાલી રહી હતી. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, રેલવે મંત્રી પીયૂષ ગોયલ અને વાણીજ્ય રાજ્ય મંત્રી સોમ પ્રકાશની સામે ખેડૂતોએ કૃષિ કાયદા રદ કરવાની માગ ફરી કરી હતી, પરંતુ કૃષિ મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં તેનો ઈનકાર કરી દિધો હતો.


અપડેટ્સ



ખેડૂતો માટે ગુરુદ્વારાથી લંગર વિજ્ઞાન ભવન પહોંચ્યું.

બેઠક શરૂ થતાની સાથે જ ખેડૂતોએ કાયદો પાછો લેવાની માંગ કરી. કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરે ખેડૂતો સાથે બિલ પર ચર્ચા કરવાની અપીલ કરતા કહ્યું કે, દેશનું ધ્યાન રાખવું પણ જરૂરી.

બેઠક પહલા ભાજપ સાંસદ સંજીવ બલિયાને કહ્યું કે, અમને આશા છે કે બેઠકમાં સમાધાન થશે અને ખેડૂત આંદોલન ટૂંક સમયમાં ખતમ થશે. મારી ખેડૂતોને અપીલ છે કે ત્રણ કૃષિ કાયદાને પાછા લેવાની માંગને પડતી મુકી ખામીઓ પર ચર્ચા કરો, જો ખામી છે તો સરકાર તેની પર સુધારા કરવા તૈયાર છે.

વિજ્ઞાન ભવનમાં ખેડૂતો સાથે વાતચીત પહેલા કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને રેલવે મંત્રી પીયૂષ ગોયલની કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે લગભગ 1 કલાક બેઠક થઈ હતી. હવે નરેન્દ્ર તોમર અને પીયૂષ ગોયલ વિજ્ઞાન ભવન માટે નીકળી ગયા છે. ખેડૂત સંગઠનો અને મંત્રીઓના સમૂહ સાથે થોડીક વારમાં બેઠક યોજાશે.



રાજ્યો પર છોડવામાં આવી શકે છે કાયદો લાગૂ કરવાનો નિર્ણય

કૃષિ કાયદાને લાગૂ કરવાનો નિર્ણય કેન્દ્ર હવે રાજ્યો સરકાર પર છોડી શકે છે. ડેરા નાનકસરના મુખી બાબા લક્ખા સિંહે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર સાથે ગુરુવારે એક મીડિએટર તરીકે મુલાકાત કરી હતી.


સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેન્દ્રીય મંત્રીએ બાબ લક્ખા સિંહને જણાવ્યું કે, સરકાર હવે એક પ્રસ્તાવ તૈયાર કરી રહી છે, જેમાં રાજ્ય સરકારને કૃષિ કાયદો લાગૂ કરવા અથવા ન કરવાની છૂટ આપવામાં આવશે.



ચર્ચા છે કે આજની બેઠકમાં કેન્દ્ર સરકાર ખેડૂતો સામે આ પ્રસ્તાવનો ઘટસ્ફોટ કરી શકે છે. જો ખેડૂતો આની પર સહમતિ વ્યક્ત કરશે તો આંદોલન ખતમ થવાની શક્યતા બની જશે.


અપડેટ્સ



કૃષિ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરીએ કહ્યું કે, જ્યારે કાયદાના દરેક મુદ્દા અંગે વાત થશે તો સમાધાન નીકળશે. સરકાર કાયદામાં ફેરફાર કરવા માટે તૈયાર છે. અમને પરિણામ આવે તેવી આશા છે.

ખેડૂતોએ કહ્યું કે, મુદ્દા વાઈઝ વાત કરવાની કોઈ આશા નથી. આજની મીટિંગમાં સરકારને કાયદો પાછો લેવાની વાત કરવી જોઈએ.

ડેરા નાનકસરના મુખીની કૃષિ મંત્રી સાથે 2.30 કલાક ચર્ચા



ડેરા નાનકસર પણ ખેડૂત આંદોલનમાં સામેલ છે. કૃષિ મંત્રી સાથે મીટિંગ વિશે બાબા લક્ખા સિંહે જણાવ્યું

લગભગ પોણા બે કલાકમાં ઘણા મહત્વના મુદ્દાઓ અંગે ચર્ચા થઈ.મેં કૃષિ મંત્રીએ કહ્યું કે, જો તમારી વાત કોઈ મુદ્દા પર ખતમ નહીં થાય, તો શું તમે એ સ્ટેટને કાયદાથી બહાર રાખી શકો છો, જેમાં ઘણો વિરોધ છે.

આ વાત અંગે તોમરે સહમતિ વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, આ મુદ્દા પર ખેડૂતો સાથે વાત કરવા માટે તૈયાર છે. જે રાજ્ય કાયદાને લાગૂ કરવા માંગે, તે કરે અને જે નથી ઈચ્છતા તે ન કરે.

છેલ્લી 8માંથી 1 બેઠકનું પરિણામ આવ્યું

પહેલી વખત-14 ઓક્ટોબર

શું થયું- મીટિંગમાં કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરની જગ્યાએ કૃષિસચિવ આવ્યા. ખેડૂત સંગઠનોએ મીટિંગનો બોયકોટ કર્યો. તેઓ કૃષિમંત્રી સાથે જ વાત કરવા માગતા હતા.



બીજી વખત-13 નવેમ્બર

શું થયું- કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને રેલવેમંત્રી પીયૂષ ગોયલે ખેડૂત સંગઠનો સાથે મીટિંગ કરી. 7 કલાક વાતચીત ચાલી, પણ એનું કોઈ પરિણામ ન આવ્યું



ત્રીજી વખત-1લી ડિસેમ્બર

શું થયું- ત્રણ કલાક વાત થઈ. સરકારે એક્સપર્ટ કમિટી બનાવવાનું સૂચન આપ્યું, પણ ખેડૂત સંગઠન ત્રણ કાયદાને રદ કરવાની માગ પર અડગ છે.



ચોથી વખત-3 ડિસેમ્બર

શું થયું- સાડાસાત કલાકની વાતચીત થઈ. સરકારે વાયદો કર્યો કે એમએસપી સાથે કોઈ ચેડાં કરવામાં નહીં આવે. ખેડૂતોનું કહેવું હતું કે સરકારે એમએસપી પર ગેરંટી આપવાની સાથે સાથે ત્રણ કાયદા પણ રદ કરે.



5મી વખત- 5 ડિસેમ્બરશું થયું- સરકાર એમએસપી પર લેખિત ગેરંટી આપવા માટે તૈયાર, પણ ખેડૂતોએ સ્પષ્ટ કહ્યું, કાયદો રદ કરવા અંગે સરકાર હા કે નામાં જવાબ આપે.



6 વખત-8 ડિસેમ્બર

શું થયું- ભારત બંધના દિવસે જ ગૃહમંત્રી અમિત શાહે બેઠક કરી. અગાઉના દિવસે સરકારે 22 પેજનો પ્રસ્તાવ આપ્યો, પણ ખેડૂત સંગઠને નકારી દીધો.



7મી વખતઃ

30 ડિસેમ્બરશું થયું-નરેન્દ્ર સિંહ તોમર અને પીયૂષ ગોયલે ખેડૂત સંગઠનોના 40 પ્રતિનિધિ સાથે બેઠક કરી. બે મુદ્દા પર મતભેદ યથાવત્, પણ બે માટે રાજી થઈ ગયા.



8મી વખત 4 જાન્યુઆરી

શું થયું- 4 કલાક ચાલેલી બેઠકમાં ખેડૂત કાયદો પાછો લેવાની માગ પર અડગ. મીટિંગ ખતમ થયા પછી કૃષિ મંત્રીએ કહ્યું તાળી બન્ને હાથેથી વાગે છે.



પંજાબ ભાજપના નેતા અમિત શાહને મળ્યા

પંજાબમાં ભાજપ નેતાઓના ઘેરાવ અને હુમલા અંગે પૂર્વ મંત્રી સુરજીત સિંહ જ્યાણી અને હરજીત સિંહ ગ્રેવાલે ગુરુવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી બગડતી કાયદા વ્યવસ્થા અંગે ચિંતા વ્યક્ત કરી. પહેલા રાજ્ય ભાજપ અધ્યક્ષ અશ્વિની શર્મા પર હુમલો થયો, પછી પૂર્વ મંત્રી તીક્ષ્ણ સૂદના ઘરે લોકોએ ટ્રોલી ભરીને છાણ ફેક્યું હતું. #✊ ખેડૂતો નો નારો - "મરીશું કે જીતીશું"